Interview with Dr Tiven Marwah, Endocrinologist – on 27th April Monday at 1130 AM

#IndiaFightsCOVID19
@AkashvaniAIR
@prasarbharati

Posted in Uncategorized | Leave a comment

રોઝા (ઉપવાસ) રાખવા ઈચ્છતા ડાયાબિટીસના દર્દીઓ માટે સલાહ-સૂચનો

Published on : August 11, 2010

ભારત દેશમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધી રહ્યુ છે. હાલમાં લગભગ અઢી કરોડ ભારતીય લોકોને ડાયાબિટીસ છે. આ વ્યાધિથી શરીરમાં અનેક રોગો જેવા કે આંખ, કિડની, હ્ર્દય, જ્ઞાનતંતુ, રક્તવાહિનીઓ પર આડઅસર થાય છે. ધ્યાન નહિ રાખનારા દર્દીઓનું આયુષ્ય ટૂંકાય છે અથવા શારીરિક તકલીફ ઉભી થાય છે.

ગુજરાત રાજ્યમાં એમાંય ખાસ કરીને અમદાવાદ શહેરમાં ડાયાબિટીસનું પ્રમાણ આપણા સમસ્ત દેશમાં મોખરે છે. ડાયાબિટીસના દર્દીઓની બ્લડસુગર સપ્રમાણ જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. દરેક ધર્મમાં ઉપવાસનો મહિમા હોય છે. ઉપવાસ એક અથવા વધારે દિવસના હોઈ શકે, સળંગ અથવા અઠવાડિક કે માસિક હોઈ શકે. અશક્ત અથવા કોઈ બિમારી ધરાવતા વ્યક્તિને ઉપવાસ કરવામાં તકલીફ થઈ શકે. ડાયાબિટીસનો દર્દી ઉપવાસ અથવા રોઝા રાખી શકે એ ખૂબ જ કોમન પ્રશ્ન હોય છે.ઉપવાસના કારણે ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિમાં ત્રણ જાતના ફેરફાર આવી શકે. એક ખોરાકનો સમય બદલાય. બીજુ ખોરાકનો પ્રકાર બદલાય. ત્રીજુ દવાઓ અને ઈન્જેક્શન નો સમય બદલાય. ખોરાક નહિ લેવા છતાં ડાયાબિટીસના દર્દીની સુગર આ રોગના કારણે વધી જાય છે. દવાઓ ચાલુ રહે અને ખોરાક નિયમિત ન લેવાય અથવા ખૂબ લેવાય તો સુગર ખૂબ વધઘટ થઈ શકે છે. જે ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક હોઈ શકે છે.

વિશ્વના અનેક દેશોમાં રોઝા અથવા ઉપવાસ રાખવાથી ડાયાબિટીસ ઉપર શું અસર થાય છે, તેનાથી શું તકલીફો ઉભી થઈ શકે અને તેને કઈ રીતે નિવારી શકાય તેના ઉપર અનેક સંશોધનો થયેલા છે. એ સંશોધનોના તારણો પ્રમાણે ડાયાબિટીસ ધરાવતો વ્યક્તિ રોઝા અથવા ઉપવાસ અમુક તકેદારીઓ લઈને સફળતાપૂર્વક રાખી શકે છે. નીચેની તકેદારીઓ રાખીને ડાયાબિટીસનો દર્દી રોઝા રાખી શકે છે.

પ્રાથમિક તપાસઃ

રમઝાન માસ શરૂ થતાં પહેલાં ડાયાબિટીસના દર્દીને એમના ડૉક્ટર દ્વારા સંપૂર્ણ તપાસ જેમાં હ્રદય, કિડની, આંખ, જ્ઞાનતંતુ, લોહીમાં સુગરનું પ્રમાણ વગેરે કરાવી લેવી જોઈએ. કિડની, હ્રદય, પેરાલીસીસની તકલીફવાળા માટે રોઝા રાખવા મુશ્કેલ હોઈ શકે. સાથે સાથે જેમની સુગર ખૂબ વધઘટ થતી હોય ખાસ કરીને જેમને સુગર ઘટી જઈ કોમામાં જતા હોય એવા દર્દીઓ માટે રોઝા રાખવા થોડા મુશ્કેલીભર્યા હોય છે. તેમને ડૉક્ટર દ્વારા એમની યોગ્ય દવાઓ શરૂ કરી રોઝા રાખવા જોઈએ. જેમને કોઈ કોમ્પ્લીકેશન ન હોય અને જેમની સુગર કાબુમાં રહેતી હોય તેમને રોઝા રાખવા વધારે સરળ હોય છે.

તકેદારીઓ:

  • જ્યુશ, શરબત લેવા નહિ. આનાથી સુગર એક્દમ વધી જાય છે.
  • રાત્રે પુષ્કળ પાણી પીવું. આનાથી ડિહાયડ્રેશન નિવારી શકાય છે અને કીડનીની તકલીફો અટકાવી શકાય છે.
  • ફળ યોગ્ય માત્રામાં લઈ શકાય. મીઠાઈ લેવી નહિ.
  • હલકો ખોરાક રાત્રે ૩ વાર વિભાજન કરી લેવો. એક સાથે બહુ ખાવુ નહિ.
  • ડાયાબિટીસ જો ગોળીઓથી કાબુમાં હોય તો નીચે પ્રમાણે ડૉક્ટરની સલાહથી દવા લેવી. સવારની ગોળી રાત્રે લેવી. રાતની ગોળી અડધા ડોઝમાં સવારે લેવી.
  • ઈન્સ્યુલીન લેતા ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિને તેમના ડૉક્ટરની સલાહથી નીચે પ્રમાણે ફેરફાર કરવા.
    (1). સવારનો ઈન્સ્યુલીનનો ડોઝ રાત્રે લેવો. રાતનો ઈન્સ્યુલીનનો ડોઝ અડધા પ્રમાણમાં સવારે લેવો.
    (2). મોટી ઉંમરના વ્યક્તિ રાત્રે ફક્ત એક જ વાર ઈન્સ્યુલીન લઈ શકે છે.
  • અમુકવાર જરૂર પડે તો ડૉક્ટરની સલાહ લઈ ગોળીઓ અથવા ઈન્સ્યુલીનનો પ્રકાર બદલી શકાય. જે દવાઓ અથવા ઈન્જેક્શનની અસર લાંબા સમય માટે રહેતી હોય તે બદલીને
    ઓછા સમય સુધી અસર કરતી ગોળીઓ અથવા ઈન્સ્યુલીન વાપરી શકાય. જેથી કરીને દિવસ દરમ્યાન સુગરની માત્રા ઘટી જાય નહિ.
  • આ ટ્રીટમેન્ટ આખા મહિના માટે બરાબર છે કે નહિ તે માટે રોઝાના ત્રીજા અથવા ચોથા દિવસે બ્લડ સુગરની તપાસ કરવી.
    રાત્રે જમ્યાના બે કલાક પછી (PPBS) અને દિવસમાં બાર એક વાગે (FBS) તપાસ કરાવી. તેમાં કેવો વધારો ઘટાડો છે એ જોઈને ડૉક્ટર દ્વારા ડાયાબિટીસની દવાનો ડોઝ
    એડજસ્ટ કરાવી શકાય છે.
  • યુરીન ટેસ્ટ અથવા ડાયાબિટીસની મશીન દ્વારા તપાસ કરીને જાતે પણ ડાયાબિટીસ ચેક કરી શકાય છે.
  • બ્લડ પ્રેશરની દવાઓ રાત્રે યથાવત લઈ લેવી.

સુગર વધવા-ઘટવાના લક્ષણો:

નીચેના લક્ષણો ડાયાબિટીસના દર્દીને જાણવા જેવા છે.

  • (૧). હાઇપોગ્લાયસિમિઆ: સુગર બહુ ઘટી જાય ( ૬૦ મિ.ગ્રા. થી નીચે ) તો વ્યક્તિને ચક્કર આવે, પરસેવો થાય, ધ્રુજારો થાય, ખૂબ ભૂખ લાગે. જો સમયસર સુગર લેવામાં ન આવે તો વ્યક્તિ કોમામાં જઈ શકે છે. આ સંજોગોમાં તરત જ સુગર લેવી તથા ડૉક્ટરનો સંપર્ક કરવો.
  • (૨) હાઇપરગ્લાયસિમિઆ:સુગર બહુ વધી જાય ( ૨૫૦-૩૦૦ થી વધારે ) તો વ્યક્તિને ખૂબ જ તરસ લાગે, વારંવાર પેશાબ થાય, કમજોરી લાગે, શ્વાસ વધી જાય, આ વખતે તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.
    ડાયાબિટીસની યોગ્ય માહિતી ઘનિષ્ટ પરીક્ષણ, તબીબી સલાહ અનુસાર દવામાં ફેરફાર દ્વારા ડાયાબિટીસનો દર્દી વિના તકલીફે રોઝા રાખી શકે છે. કોઈપણ મુશ્કેલીમાં ડૉક્ટરને તાત્કાલિક સંપર્ક કરવાથી અને મદદ લેવાથી કોઈપણ ઈમર્જન્સી નિવારી શકાય છે.
Posted in મધુપ્રમેહ | Leave a comment

ઓછી ઊંચાઈ : કારણો અને ઉપાય

Published on : November 17, 2010

ઓછી ઊંચાઈ હોવાના વિભિન્ન કારણો હોય છે. તેમાંથી અમુક કારણોનો ઈલાજ શક્ય છે. જ્યારે અમુક કારણોનો ઈલાજ શક્ય નથી. સમયસર નિદાન થાય તો જ આ ઈલાજનો ફાયદો થઈ શકે. હાડકાંનાં જે ભાગમાંથી બાળકની ઊંચાઈ વધે છે તેને ગ્રોથ પ્લેટ કહે છે. આ ગ્રોથ પ્લેટ છોકરાઓમાં ૧૬-૧૭ વર્ષ સુધી અને છોકરીઓમાં ૧૫-૧૬ વર્ષ સુધી સંપૂર્ણપણે ફ્યુઝ થઈ જાય છે. જેથી કરીને આ અવસ્થા પછી બાળકોની ઊંચાઈ વધતી નથી. અમુક બાળકોમાં આ ગ્રોથ પ્લેટ આનાથી પણ વહેલી ફ્યુઝ થઈ જતી હોવાથી તેમની ઊંચાઈ આનાથી પણ નાની ઉંમરે વધતી અટકી જાય છે. ૧૦ વર્ષની ઉંમર પહેલાં બાળકની ઊંચાઈ અંગે નિદાન કરાવી લેવું યોગ્ય હોય છે.

માતા-પિતાએ ધ્યાન રાખવા જેવું:

માતા-પિતાએ બાળકના શારીરિક અને બૌદ્ધિક વિકાસ ઉપર શરૂઆતથી જ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ગ્રોથ ચાર્ટ દ્વારા બાળકની ઊંચાઈ પ્રમાણસર છે કે નહીં તે નક્કી કરવું જોઈએ. જો બાળક માતા-પિતાની સરેરાશ ઊંચાઈને અનુસરતા ન હોય અથવા તેની ઊંચાઈ દર વર્ષે બે ઈંચ કરતાં ઓછી વધતી હોય તો વહેલાસર બાળકોના ડૉક્ટર અથવા એન્ડોક્રાઈનોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને તેની ઓછી ઊંચાઈનું નિદાન અને ઈલાજ કરવો જોઈએ.

ડૉક્ટરી તપાસઃ

ઓછી ઊંચાઈ ધરાવતા બાળકો અને તેમાંય ખાસ કરીને જે બાળકોની સરેરાશ ઊંચાઈ વર્ષે બે ઈંચ કરતાં ઓછી વધતી હોય તેવાં બાળકોની યોગ્ય ડૉક્ટરી તપાસ કરી લેવી જોઈએ. પૂછપરછ તથા તપાસ દ્વારા ઓછી ઊંચાઈ હોવાના કારણોમાં કોઈ બીમારી, પોષણની કમી, હાડકાંની બીમારી, હોર્મોન્સની તકલીફ કે પછી વારસાગત કારણ જવાબદાર છે તે ખ્યાલ આવી જતો હોય છે. આ તપાસના આધારે કયા લેબોરેટરી ટેસ્ટ અથવા એક્સ-રે કરાવવા જરૂરી છે તે ડૉક્ટર નક્કી કરતા હોય છે.

બોન એજ:

બાળકની ઊંચાઈના નિદાન માટે ‘બોન એજ’ (હાડકાંના વિકાસની ઉંમર) એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શરીરમાં ૨૦૬ હાડકાં છે. આ બધા જ હાડકાંનો વિકાસ અમુક ઉંમરે થતો હોય છે. હાથ, કાંડા અને કોણીના એક્સ-રે દ્વારા શરીરના કયા કયા હાડકાં વિકાસ પામેલાં છે તથા તેઓ કયા સ્ટેજ સુધી વિકસિત થયેલા છે તે જાણી શકાય છે. આ ટેસ્ટ દ્વારા બાળકની ‘મેચ્યોરિટી’ ની અવસ્થા જાણી શકાય છે અને હજુ તેનો કેટલો વિકાસ સંભવ છે તથા તેની ફાઈનલ હાઈટ કેટલી થશે તે જાણી શકાય છે. ઢીંચણના હાડકાંમાં સ્થિત ગ્રોથ પ્લેટ જો ફ્યુઝ થઈ ગઈ હોય તો ઊંચાઈ વધતી નથી. ઘૂંટણના એક્સ-રે દ્વારા બાળકની ઊંચાઈ હજુ વધવાનો કોઈ અવકાશ છે કે નહીં તે જાણી શકાય છે.

લેબોરેટરી ટેસ્ટઃ

બાળકને પોષણ બરાબર મળી રહ્યું છે કે નહીં તે જાણવું ખૂબ જરૂરી હોય છે. લોહીમાં પ્રોટીન, હિમોગ્લોબિન, કેલ્શિયમ વગેરેની માત્રા દ્વારા બાળકના પોષણનું પ્રમાણ યોગ્ય છે કે નહીં તે જાણી શકાય છે. બીજા અગત્યના ટેસ્ટ છે હોર્મોન્સના. થાઈરોઈડ હોર્મોન, ગ્રોથ હોર્મોન, અને સેક્સ હોર્મોન બાળકની ઊંચાઈ વધારવામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. શારીરિક લક્ષણો અને તપાસ દ્વારા હોર્મોનની તકલીફ છે કે નહીં તે જાણી શકાય છે. યોગ્ય અને આવશ્યક હોર્મોનની તપાસ દ્વારા હોર્મોનની ઉણપનું નિદાન થઈ શકે છે. થાઈરોઈડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા હોર્મોનની ઉણપનું નિદાન સહેલાઈથી થઈ શકે છે. પરંતુ ગ્રોથ હોર્મોનની ઉણપના નિદાન માટે અમુક વિશિષ્ટ તપાસ કરાવવી પડે છે. ગ્રોથ હોર્મોનની ઉણપના નિદાન માટે અમુક બેઝિક ટેસ્ટ કરાવ્યા પછી ડાયનેમિક ટેસ્ટ કરાવવા પડે છે. ડાયનેમિક ટેસ્ટમાં અમુક દવાઓ આપીને દર અડધા કલાકે ગ્રોથ હોર્મોનનું લેવલ જાણવામાં આવે છે. દવા આપીને ગ્રોથ હોર્મોનમાં કેટલો વધારો થયો છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. જો અમુક લેવલ સુધી ગ્રોથ હોર્મોન વધે નહીં તો તેની ઉણપ હોય એવું કહી શકાય અને તે આપવાથી બાળકની ઊંચાઈ વધી શકે.

જિનેટિક ટેસ્ટઃ

અમુક જન્મજાત બીમારીઓ જેવી કે ટર્નર સિન્ડ્રોમ, વિલી-પ્રાડર સિન્ડ્રોમ વગેરેમાં રંગસૂત્રો અથવા જિનેટીક ટેસ્ટિંગ કરવાની જરૂર પડતી હોય છે. આ ટેસ્ટ કરવાથી બીમારીનું ચોક્કસપણે નિદાન થઈ શકે છે અને તેના દ્વારા ભવિષ્યમાં શું મુશ્કેલી સર્જાઈ શકે તે સમયસર જાણી શકાય છે અને અમુક મોટી તકલીફો થતી નિવારી શકાય છે.

ઓછી ઊંચાઈનો ઈલાજ:

સારી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે બાળકનો સમતોલ આહાર કે જેમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન્સ, મિનરલ અને કેલરી મળી રહે એ આપવો જરૂરી હોય છે. બાળકની ઊંચાઈ મુખ્યત્વે રાતમાં વધતી હોય છે. બાળકને યોગ્ય માત્રામાં ઉંઘ મળી રહે એ જરૂરી હોય છે. વારંવાર થતાં ઈન્ફેક્શન અથવા જીર્ણ બીમારીઓના કારણે બાળકની ઊંચાઈ વધતી નથી. પેટ, ફેફસાં કે કિડનીની બીમારી હોય તો તેના યોગ્ય નિદાન અને ઈલાજ દ્વારા બાળકની ઊંચાઈ યોગ્ય માત્રામાં વધારી શકાય છે. હોર્મોન્સની કમી ઊંચાઈ ઓછી હોવા માટે જવાબદાર હોઇ શકે. હાઈપોથાઈરોઈડિઝમ અથવા થાઈરોઈડ હોર્મોનની કમી સહેલાઈથી ટ્રીટ કરી શકાય છે. ગ્રોથ હોર્મોનની કમી ઓછી ઊંચાઈ માટેનું એક અગત્યનું કારણ છે. ગ્રોથ હોર્મોનની કમી ધરાવતા બાળકોને આ હોર્મોનની ટ્રીટમેન્ટ દ્વારા યોગ્ય ઊંચાઈ મેળવી શકાય છે. ઘણીવાર એક જ વ્યક્તિમાં ઓછી ઊંચાઈ માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે. આ બધા જ કારણોની યોગ્ય માત્રામાં સારવાર થઈ શકે અને બાળક સારી ઊંચાઈ ધારણ કરી શકે. વારસાગત ઓછી ઊંચાઈ ધરાવતા બાળકોની ઊંચાઈ તેમના માતા-પિતાના પ્રમાણસર હોવાના કારણે બીજી સારવાર તેમને ઉપયોગી થઈ શક્તી નથી. યોગ્ય પોષણ અને કસરત પર તેમણે ધ્યાન આપવું જોઈએ.

ઊંચાઈ ઓછી હોવાના અનેક કારણો હોઈ શકે. તેમાંથી અમુક કારણોનું નિદાન તથા સારવાર સહેલાઈથી થઈ શકે. જરૂર છે વેળાસર નિદાન અને યોગ્ય સારવારની. અમુક ઉંમર વટાવ્યા પછી ઊંચાઈ વધતી નથી. દસ વર્ષ અથવા તેનાથી વહેલા બાળકની ઊંચાઈની અંગે સભાન થવું જરૂરી છે.

Posted in ઊંચાઈ | Leave a comment

બાળકોની ઓછી ઊંચાઈ: કારણો અને નિદાન

Published on : November 10, 2010

ઓછી ઉંચાઈ ફક્ત બીમારીઓ અથવા ઉણપથી જ નહીં પરંતુ અનેકવાર કુદરતી પરિબળો પર આધારિત હોય છે. અમુક પરિબળોનો ઈલાજ થઈ શક્તા હોય છે અને અમુક કારણોમાં વિજ્ઞાન લાચાર હોય છે. એ બંને વચ્ચે ભેદ જાણવો અને સમજવો જરૂરી હોય છે. બાળકની ઓછી ઉંચાઈમાં વારસો (હેરિડિટી), પોષણ, શારીરિક બીમારીઓ, હાડકાંની બીમારીઓ, હોર્મોન્સની કમી મુખ્યત્વે છે.

વારસો (હેરિડિટી):

બાળકની ઉંચાઈમાં વારસો અથવા હેરિડિટીનો ફાળો સૌથી મહત્વપૂર્ણ હોય છે. બાળકના પેરેન્ટ્સની ઉંચાઈ ઓછી હોય તો બાળકની ઊંચાઈ ઓછી હોવી સ્વાભાવિક છે. આ સિવાય બીજા પરિબળો પણ ભાગ ભજવતા હોય છે. તેનું વેળાસર નિદાન ઉપયોગી હોઈ શકે.

પોષણઃ

ઊંચાઈ અને વિકાસ વ્યક્તિના પોષણ ઉપર ખૂબ આધારિત છે. ગર્ભાવસ્થાથી પુખ્તાવસ્થા (Puberty) સુધી યોગ્ય પોષણ બાળકના વિકાસ અને ઊંચાઈ માટે આવશ્યક છે. કુપોષણના ત્રણ મુખ્ય કારણોઃ

  • ખોરાક અને પોષણની કમીઃ આર્થિક મુશ્કેલીઓના કારણે ગરીબ બાળકોને પૂરતા પ્રમાણમાં ખોરાક નહીં મળવાના કારણે તેમને યોગ્ય માત્રામાં પ્રોટીન્સ, વિટામિન્સ, કેલ્શિયમ જેવા તત્વો મળતા નથી. તે કારણસર તેમની યોગ્ય વૃદ્ધિ તથા વિકાસ થતો નથી.

  • સમતોલ આહારની કમી: યોગ્ય સમતોલ આહાર કે જેમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, વિટામિન્સ, ચરબી અને કાર્બોહાઈડ્રેટ મળે તે તેમની શારીરિક વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક છે. પરંતુ બાળકોની રૂચિ-અરૂચિના કારણે અથવા ચોકલેટ્સ, કોલ્ડ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડના વધારે પડતા ઉપયોગના કારણે તેઓને ‘બેલેન્સ્ડ ન્યુટ્રિશન’ મળતું નથી જે તેમની ચરબીની માત્રા વધારી શકે પરંતુ હાડકાં અને માંસપેશીઓ પૂરતા પ્રમાણમાં વિકાસી ન શકે. આથી બાળકની ઊંચાઈ ઓછી રહે અને જાડાપણું વધી જાય.

  • પોષણની કમી: અમુક ક્રોનિક ડિસિઝના કારણે બાળક બરાબર ખોરાક લઈ શક્તું નથી. તેથી પણ પોષણની કમી થઈ જાય છે.

લાંબાગાળાની બીમારીઓ:

વારંવારના ઈન્ફેક્શન,લાંબાગાળાની આંતરડાની બીમારીઓ, કિડનીની તકલીફો, કેન્સરની બીમારીથી બાળકનો વિકાસ રુંધાય છે અને તેની ઊંચાઈ અને વિકાસ અટકી જાય છે.

હાડકાંની તકલીફો:

અમુક બાળકોને જન્મથી હાડકાંની તકલીફો હોય છે. બાળકની ઊંચાઈ મુખ્યત્વે હાડકાંમાં આવેલા ગ્રોથ પ્લેટ અથવા એપિફિસિસ દ્વારા થતી હોય છે. અમુક જિનેટીક કારણોસર જો આ એપિફિસિસમાં તકલીફ થાય તો બાળકની ઊંચાઈ ઓછી રહી જતી હોય છે. આ અવસ્થાને ‘સ્કેલેટ્સ ડિસ્પલાઝીઆ’ કહે છે. સરકસમાં ઓછી ઊંચાઈવાળા કલાકારો આનાથી પીડિત હોય છે.

હોર્મોન્સની તકલીફો:

હોર્મોન્સની અછત અથવા અતિરેક બાળકની ઊંચાઈમાં તકલીફ આપી શકે છે. અનેક હોર્મોન્સ ઊંચાઈ વધારવામાં ફાળો આપે છે.

ગ્રોથ હોર્મોનઃ

ગ્રોથ હોર્મોન પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો હોર્મોન છે. તેની ઉણપથી બાળકની ઊંચાઈ વધતી નથી. પિચ્યુટરી ગ્રંથિમાં ગ્રોથ હોર્મોન ઉત્પન્ન કરતા કોષોની કમી અથવા કાર્યક્ષમતાના અભાવથી આ હોર્મોનની ઉણપ થઈ શકે. અમુકવાર પિચ્યુટરી ગ્રંથિમાં ગાંઠ થવાથી આ હોર્મોન ઉત્પન્ન થતો નથી. બ્રેઈન ટ્યુમરના ઉપચાર તરીકે રેડિયોથેરાપી અપાઈ હોય તો પણ આ હોર્મોનની કમી થઈ શકે.

થાઈરોઈડ હોર્મોનઃ

થાઈરોઈડ હોર્મોનની ઉણપને હાઈપોથાઈરોઈડિઝમ કહે છે. થાઈરોઈડ હોર્મોનની ઉણપથી બાળકની ઉંચાઈ વધતી નથી અને વેળાસર નિદાન ન થાય તો તેની ઊંચાઈ ઓછી રહી જતી હોય છે.

સેક્સ હોર્મોનઃ

છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન અને છોકરીઓમાં ઈસ્ટ્રોજન તેમના પુખ્તાવસ્થાના વિકાસમાં અને ઊંચાઈ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. પિચ્યુટરી ગ્રંથિની તકલીફથી શુક્રપિંડ અને અંડપિંડમાંથી ક્રમશઃ ટેસ્ટેસ્ટેરોન અને ઈસ્ટ્રોજન ઉત્પન્ન થતાં નથી. ઘણીવાર છોકરાઓમાં શુક્રપિંડનો અને છોકરીઓમાં અંડપિંડનો વિકાસ થતો નથી. સાથે તેમની ઊંચાઈ પણ વધતી નથી.

સ્ટેરોઈડ હોર્મોનઃ

જો એડ્રિનલ ગ્રંથિ દ્વારા વધુ માત્રામાં સ્ટેરોઈડ હોર્મોન ઉત્પન્ન થાય તો તે બાળકોનો વિકાસ અટકાવે છે. અસ્થમાં, સાંધાની બીમારીઓ વગેરેના ઈલાજ તરીકે સ્ટેરોઈડ અપાય છે તેથી પણ બાળકોનો વિકાસ રુંધાય છે.

જિનેટીક બીમારીઓ:

ટર્નર સિન્ડ્રોમ, નુનાન સિન્ડ્રોમ જેવી રંગસૂત્રની બીમારીઓમાં બાળકોની ઊંચાઈ ઓછી રહી જાય છે. તેમાં જિનેટીક તકલીફથી હાડકાંનો વિકાસ થતો નથી અને ઊંચાઈ ઓછી રહે છે.

માનસિક તકલીફો:

‘પ્રેમ અને હૂંફ’ ની કમીથી ઘણીવાર બાળકોમાં માનસિક અથવા ઈમોશનલ તકલીફો થતી હોય છે. આથી પણ બાળકોના બૌદ્ધિક તથા શારીરિક વિકાસ ઉપર માઠી અસર થાય છે.

Posted in ઊંચાઈ | Leave a comment

બાળકોની ઊંચાઈ કઈ રીતે વધે છે?

Published on : November 03, 2010

સારી હાઈટ હોવી એ કોને ન ગમે! ટીનએજમાં આ પ્રશ્ન બાળકોને તથા તેમના માતાપિતાને ખાસ મૂંઝવતો હોય છે. સ્કૂલમાં અથવા અડોશ પડોશમાં કે સગાંવ્હાલાંના બાળકો જોડે આપણાં બાળકની ઉંચાઈની સરખામણી સહજતાથી થઈ જતી હોય છે.

બાળકની ઉંચાઈ અથવા શારીરિક વિકાસ અનેક પરિબળો પર આધારિત હોય છે. તેમાં ખાસ અગત્યના પરિબળોમાં વારસો, પોષણ, માનસિક સ્વાસ્થ્ય અને હોર્મોન્સ અગત્યનો ભાગ ભજવતા હોય છે. બાળકની ઉંચાઈ શરીરના હાડકાંમાં આવેલા ગ્રોથ પ્લેટ દ્વારા વધતી હોય છે. આ ગ્રોથ પ્લેટ પગના લાંબા હાડકાં તથા મણકામાં સ્થિત હોય છે. આ ગ્રોથ પ્લેટનો વિકાસ પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ તથા હોર્મોન્સ આધારિત હોય છે. જ્યારે આ ગ્રોથ પ્લેટ હાડકાં સાથે સંપૂર્ણપણે જોડાઈ જાય છે ત્યારે બાળકની ઊંચાઈ વધતી અટકી જાય છે. બાળકની ઉંચાઈ વધવાના વિવિધ તબક્કા હોય છે. જુદા જુદા તબક્કાઓમાં બાળકનો વિકાસ જુદા જુદા દરે થતો હોય છે. બાળકના વિકાસને ત્રણ તબક્કાઓમાં સરળતાથી વહેંચી શકાય. શૈશવ, બાળપણ અને પુખ્તાવસ્થા.

શૈશવ અવસ્થા

એકથી ત્રણ વર્ષની અવસ્થાને શૈશવ અવસ્થા કહી શકાય. આ સમયમાં બાળકોની ઉંચાઈ મહત્તમ દરે વધતી હોય છે. પ્રથમ વર્ષમાં ૬ થી ૧૩ ઈંચ, બીજા વર્ષમાં ૩ થી ૬ ઈંચ અને ત્રીજા વર્ષમાં ૩ થી ૪ ઈંચ જેટલી ઉંચાઈ વધતી હોય છે. આમ, આ અવસ્થા કુલ ૧૨ થી ૨૩ ઈંચ જેટલી ઉંચાઈ વધતી હોય છે. ઉંચાઈના દરમાં આટલો ભેદભાવ વારસો, પોષણ તથા બીજા અનેક પરિબળોના કારણે હોય છે.

બાળપણ

ત્રણથી બાર-તેર વર્ષની અવસ્થાને બાળપણ કહી શકાય. આ દરમ્યાન ઉંચાઈનો વધારો શૈષવ અવસ્થા કરતાં ઓછો હોય છે. આ અવસ્થામાં સરેરાશ દર વર્ષે બેથી ત્રણ ઈંચ જેટલી ઉંચાઈ વધતી હોય છે. ત્રણથી પાંચ વર્ષની વય વચ્ચે આ દર પાંચથી તેર વર્ષની વય કરતાં સહેજ વધારે હોય છે. આ અવસ્થામાં બાળકોનું પોષણ, કસરત, માનસિક સ્વાસ્થ્ય સારી ઉંચાઈ માટે મહત્વનો ભાગ ભજવતા હોય છે.

પુખ્તાવસ્થા (Puberty)

બારથી પંદર-સોળ વર્ષની અવસ્થાને પુખ્ત અથવા પ્યુબર્ટી કહેવામાં આવે છે. આ અવસ્થામાં ફરીથી ઉંચાઈનો દર બાળપણની અવસ્થા કરતાં વધી જાય છે. આ અવસ્થા દરમિયાન બાળકોની ઉંચાઈ સરેરાશ દર વર્ષે ત્રણથી ચાર ઈંચ જેટલી વધતી હોય છે. એકવાર પુખ્તાવસ્થા સંપૂર્ણ ધારણ થયા પછી ક્વચિત એકાદ વર્ષ માટે એક-દોઢ ઈંચ જેટલી જ ઉંચાઈ વધતી હોય છે. પુખ્તાવસ્થામાં સારી ઉંચાઈનો વિકાસ હોર્મોન્સ ઉપર ખૂબ જ આધારિત હોય છે. આ અવસ્થામાં હોર્મોન્સની ઉણપના કારણે ઉંચાઈ વધતી બંધ થઈ જાય છે અથવા તેનો વિકાસ દર ઘટી જાય છે. પુખ્તાવસ્થાની અવસ્થા સામાન્યત: ત્રણથી ચાર વર્ષ જેટલી ચાલતી હોય છે. અમુક બાળકો જલ્દી વિકાસ પામતા હોય છે (Fast & Early Maturer). તેમની ઉંચાઇ શરૂઆતમાં ઝડપથી વધતી હોય છે. પરંતુ આગળ વધતી જલ્દીથી અટકી જાય છે. અમુક બાળકોનો વિકાસ ધીમેથી થતો હોય છે. (Slow & Late Maturer) તેમની ઉંચાઈ ધીમે ધીમે પરંતુ લાંબા અરસા સુધી વધતી હોય છે. તેથી તેઓની અંતિમ ઉંચાઈ જલ્દી વિકાસ પામતા બાળકો કરતાં વધારે હોય છે. સારું પોષણ, કસરત, માનસિક સ્વાસ્થ્ય બાળકોનો સારો વિકાસ કરવામાં ઉપયોગી થઈ શકે છે.

બાળકોની ઉંચાઈના માપદંડ

આપના બાળકની ઉંચાઈની બરાબર છે? આપના બાળકની મોટા થઈને ઉંચાઈ કેટલી થશે? આ પ્રશ્નો દરેક માતા-પિતાના મનમાં ઉદભવતા હોય છે. અનેક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા આપના બાળકનો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે કે કેમ તે જાણી શકાય છે.

મિડ-પેરેન્ટલ હાઈટ

બાળકની ઉંચાઈ માતા-પિતાની ઉંચાઈ ઉપર ખૂબ જ નિર્ભર થતી હોય છે. માતા-પિતાની ઉંચાઈ જાણીને તેમના બાળકની મોટા થઈને અંતિમ ઉંચાઈ (ફાઈનલ હાઈટ) કેટલી થશે તે અમુક ફોર્મ્યુલા દ્વારા જાણી શકાય છે. છોકરાની ઉંચાઈ માતા-પિતાની સરેરાશ ઉંચાઈ કરતા અઢી ઈંચ વધારે અને છોકરીઓની ઉંચાઈ માતા-પિતાની સરેરાશ ઉંચાઈ કરતા અઢી ઈંચ ઓછી હોય છે. આ ફોર્મ્યુલા ઘણા કેસમાં લાગુ પડતી હોય છે. પરંતુ અમુક કેસમાં તે વધતી-ઓછી હોઈ શકે. પરંતુ આ ગણતરી બાળકની ઉંચાઈ વારસાના કારણે ઓછી છે કે બીજા કારણસર એ વચ્ચેનો ભેદ જાણવા માટે ઉપયોગી થઈ શકતી હોય છે.

ગ્રોથ ચાર્ટ

બાળકોની ઉંચાઈ અને વજનના ચાર્ટ બાળકોના ડૉક્ટર અથવા એન્ડોક્રાઈનોલોજિસ્ટ પાસે ઉપલબ્ધ હોય છે. આ ગ્રોથ ચાર્ટ જન્મથી ૧૮ વર્ષની વચ્ચેના બાળકોની સરેરાશ ઉંચાઈ અને વજન દર્શાવતા હોય છે. આપના બાળકની ઉંચાઈ અને વજન દર ત્રણ અથવા છ મહિને માપીને તેને ગ્રોથ ચાર્ટ ઉપર આંકી શકાય. આ દ્વારા આપના બાળકનો વિકાસ નોર્મલ થઈ રહ્યો છે કે નહીં તે જાણી શકાય. ઉપરાંત તેની ગતિ એકધારી જળવાઈ રહી છે કે નહીં તે જાણી શકાય. મોટા થયા પછી આપના બાળકની ઉંચાઈ કેટલી થશે તેનો અંદાજ પણ લગાવી શકાય. ઉપરાંત આપનું બાળક માતા-પિતાની સરેરાશ ઉંચાઈને અનુસરી રહ્યું છે કે નહીં તે પણ જાણી શકાય. બાળપણથી જ ગ્રોથ ચાર્ટનો ઉપયોગ કરવાથી બાળકની ઉંચાઈ અને વજનનો વિકાસ સારી રીતે જાણી શકાય અને તેમાં કોઈ ખલેલ પડ્યો હોય તો તરત જ તેનું નિદાન અને ઉપચાર થઈ શકે. બાળકોનો ગ્રોથ ચાર્ટ બનાવવામાં તથા સમજવામાં બાળકોના ડોક્ટર, એન્ડોક્રાઈનોલોજિસ્ટ, આપના ફેમિલી ડૉક્ટર મદદરૂપ થઈ શકે.

સાવચેતીનાં પગલાં

  • બાળકની ઉંચાઈ, વજન પર નાનપણથી જ ધ્યાન રાખો.
  • ગ્રોથ ચાર્ટ પર બાળકની ઉંચાઈ, વજન દર ત્રણ મહિને પોતે અથવા બાળકોના ડૉક્ટરની મદદથી આંકતા રહો.
  • ‘મિડ પેરેન્ટલ હાઈટ’ ની ગણતરી કરી આપનું બાળક તેની વારસાગત સંભાવનાઓને અનુસરી રહ્યું છે કે નહીં તેની ખાતરી કરી લેવી.
  • બાળકના પોષણ, કસરત તથા માનસિક વિકાસ ઉપર પૂરતું ધ્યાન આપવું.
  • લાંબા ગાળાની બીમારીઓનો પ્રોપર ઈલાજ કરાવો.
  • ઉંમર પ્રમાણે જો સરેરાશ ઉંચાઈ વધતી ન હોય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો.
  • બહુ મોડા સંપર્ક કરવાથી હાડકાંમાં ગ્રોથ પ્લેટ ફ્યુઝ થઈ ગઈ હોવાથી ઉંચાઈ વધવાનો અવકાશ રહેતો નથી.
  • દસ વર્ષ અથવા તેનાથી નાની ઉંચાઈના નિદાન માટે યોગ્ય અવસ્થા છે. તેના પછી નિદાન તથા ઉપચારનો સમય ખૂબ ઓછો રહી જતો હોય છે.
  • બાળકની ઉંચાઈ અને વિકાસ એ એક વૈજ્ઞાનિક પ્રશ્ન છે. વિજ્ઞાપન આધારિત ચીલાચાલુ ટ્રીટમેન્ટ નુક્શાન કરી શકે.
Posted in ઊંચાઈ | Leave a comment

નીચી હાઈટનાં ઊંચા પ્રશ્નો

Published on : October 27, 2010

અમેરિકાના રાષ્ટ્રપતિની ચુંટણીમાં બરાક ઓબામા અને જહોન મેક્કેઈન વચ્ચે ગળાકાપ હરીફાઈ હતી. બેમાંથી કોણ જીતે છે તેના ઉપર ઘણી અટકળો અને વિશ્લેષણો અને અનુમાનો થયા હતા. આ પ્રશ્નનો ઉત્તર ક્વચિત કોઈ જાણતા હતા તો એ હતા એન્ડોક્રાઈનોલોજિસ્ટ. તેમનું કહેવું હતું કે બરાક ઓબામા જ આ ચુંટણી જીતશે કારણ કે અમેરિકામાં થયેલી બધી જ ચુંટણીઓમાં એક અબ્રાહમ લિંકનને બાદ કરતા બધા જ ઈલેક્શનમાં વધુ ઉંચાઈ ધરાવતા ઉમેદવાર ઈલેક્શન જીત્યા હતા. અલબત્ત, આ ઈલેક્શન જીતવામાં ફક્ત બરાક ઓબામાની વધારે ઉંચાઈ ઉપરાંત બીજાં અનેક પરિબળોએ ભાગ ભજવ્યો હતો. પરંતુ યોગાનુયોગ વધુ ઉંચાઈ ધરાવવી કદાચ તેમના વ્યક્તિત્વને વધારે આકર્ષક બનાવવામાં ઉપયોગી થઈ હશે. સારી ઉંચાઈ ફક્ત અમેરિકાના રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં જ ઉપયોગી હોતી નથી. પરંતુ જીવનના અનેક ક્ષેત્રોમાં ઉપયોગી થતી હોય છે. ઉંચાઈ એ વ્યક્તિત્વનું એક અગત્યનું પાસુ છે. સારી ઉંચાઈ વ્યક્તિના સારા સ્વાસ્થ્યનું પ્રતીક તો છે જ પરંતુ સાથે સાથે એક આકર્ષક વ્યક્તિત્વનું જમા પાસું પણ છે. વર્તમાન યુગમાં શહેરીકરણ, ટીવી કલ્ચર, પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરના કારણે દરેક વ્યક્તિ વધારે ઉંચાઈ ધરાવવા માગતી હોય છે. ટીનએજર્સ એમાંય ખાસ કરીને યુવતીઓમાં સારી ઉંચાઈની ખેવના વિશેષ હોય છે. ટીવી અને ફિલ્મોની ગ્લેમરસ દુનિયાની તેમના ઉપર વિશેષ અસર જોવા મળતી હોય છે.

ઉંચાઈ અને વિકાસ એક જટિલ બાયોલોજિકલ પ્રક્રિયા છે. સારી ઉંચાઈ અનેક આંતરિક અને બાહ્ય પરિબળો ઉપર નિર્ભર હોય છે. વ્યક્તિનાં જીન્સ અથવા વારસો તેમાં વિશેષ ભાગ ભજવતા હોય છે. ‘બાપ તેવા બેટા, વડ તેવા ટેટા’ એ જૂની કહેવત પ્રમાણે પેરેન્ટ્સ જો ઓછી ઉંચાઈ ધરાવતા હોય તો બાળકોની ઉંચાઈ ઓછી રહેવાની. બાહ્ય પરિબળોમાં વાતાવરણની અસર, જીવનશૈલી-રહેણીકરણીની અસર, સામાજિક રીતિરિવાજો, આર્થિક વિકાસ વગેરેની અસર જોવા મળે છે. આંતરિક પરિબળોમાં બીમારીઓ, પોષણની કમી અથવા અમુક હોર્મોન્સની ઉણપ ઉંચાઈ ઓછી હોવા માટે જવાબદાર હોઈ શકે.

ટીનએજર બાળકોને ઉંચાઈનો પ્રશ્ન વધારે મૂંઝવતો હોય છે. તેમની સાથેના બાળકોની ઉંચાઈ વધારે હોવાના કારણે તેઓ ક્ષોભ અનુભવતા હોય છે. ‘મારામાં કંઈક કમી છે’ એ પ્રશ્ન તેમને સતત સતાવતો હોય છે. ઉપરાંત અનેકવાર બીજા બાળકો તેમની પજવણી કરતા હોય અથવા મજાક ઉડાવતા હોય તે કારણસર તેઓ ડિપ્રેશન અનુભવતા હોય છે. આ કારણસર તેમના અભ્યાસ ઉપર માઠી અસર જોવા મળે છે. જાણે અજાણે શિક્ષકો, પેરેન્ટ્સ, વડીલો દ્વારા પણ અમુક નેગેટીવ કોમેન્ટ્સ થઈ જતી હોય છે, જે બાળકોના મનમાં ઘર કરી જાય છે. ઓછી ઉંચાઈ ધરાવતી વ્યક્તિની કાર્યક્ષમતા અને કાર્યકુશળતા ઓછી હશે એવા પૂર્વગ્રહો સમાજમાં પ્રચલિત છે. આ બધા કારણોસર અનાયાસ ઓછી ઉંચાઈ ધરાવતી વ્યક્તિની ઉપેક્ષા પણ થતી હશે. ‘ઓછી ઉંચાઈ હોવી’ તે લક્ષણ તેટલો વ્યક્તિને મુશ્કેલીમાં નથી મુકતો પરંતુ ‘ઓછી ઉંચાઈ હોવી એક કમી અથવા ઉનપ અથવા પછાતપણું છે’ તે વિચાર વ્યક્તિને વિશેષ તકલીફ આપતો હોય છે.

સમસ્યાનું સમાધનઃ

વર્તમાન યુગમાં ઉંચાઈ વિશે વિચારવું એ યોગ્ય છે પરંતુ કયા સમયે વિચારવું એ વધારે જરૂરી છે. બાળકોની ઉંચાઈ અને શારીરિક વિકાસ ઉપર શરૂઆતથી જ ધ્યાન રાખવું જરૂરી છે. આપના બાળકની ઉંચાઈ બરાબર છે કે નહીં અને તેનો વિકાસ સંતોષકારક છે કે નહી તે વિશે આપના બાળકોના ડૉક્ટર આપને સારી રીતે માહિતગાર કરી શકે. ચૌદ-પંદર વર્ષની ઉંમરે અથવા તેના પછી ઉંચાઈ વધારવા માટે પ્રયત્ન કરવો તે મોટાભાગના કેસમાં નિરર્થક હોય છે. ઉંચાઈ વધવાનો સંબંધ બાળકની ઉંમર કરતાં તેના પુખ્ત (મેચ્યોરિટી અથવા પ્યુબર્ટલ ડેવલપમેન્ટ) સાથે વધારે સુસંગત હોય છે. એકવાર પુખ્તતા ધારણ થયા પછી ઉંચાઈ વધવાનો અવકાશ રહેતો નથી. બાળકની ઉંચાઈ વધારવામાં સારો પૌષ્ટિક આહાર, કસરત અથવા શારીરિક શ્રમ, શારીરિક અને માનસિક તંદુરસ્તી અગત્યનો ભાગ ભજવતા હોય છે. આ બધા જ પરિબળો ઉપર શરૂઆતથી જ ધ્યાન આપવાથી બાળકનો મહત્તમ વિકાસ થઈ શકે છે.ઓછી ઉંચાઈ ધરાવતા પેરેન્ટ્સ બાળકો ઓછી ઉંચાઈ ધરાવવાની પૂરેપૂરી શક્યતા છે. તેવા બાળકોના સર્વાંગી વિકાસ પર શરૂઆતથી જ ધ્યાન આપવાથી શક્ય તેટલો વધારે વિકાસ મેળવી શકાય છે. ભવિષ્યમાં તેમના સહાધ્યાયી તેમને પજવે નહીં તે માટે તેમને માનસિક રીતે તૈયાર કરી શકાય. ઉપરાંત જ્યાં ઉંચાઈનું મહત્વ નથી તેવી પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકળા, સંગીત, સ્વિમિંગ વગેરેમાં રસ કેળવી શકાય અને પારંગતતા મેળવી શકાય.

ઉંચાઈનો પ્રશ્ન નવી પેઢીને ચોક્કસ મૂંઝવતો હોય છે. સમયસર તેનું મૂલ્યાંકન કરાવવાની ઓછી ઉંચાઈના કારણો જાણી શકાય અને જો શક્ય હોય તો ઈલાજ પણ થઈ શકે. ખૂબ વધારે પ્રતીક્ષા કરવાથી મેચ્યોટરી સંપૂર્ણ થઈ ગયા પછી ઉંચાઈ વધવાની શક્યતા રહેતી નથી. મોટાભાગના સંજોગોમાં ઓછી ઉંચાઈનું કારણ વારસાગત હોય છે. આ તથ્યને સ્વીકારી પોતાની નૈસર્ગિક ઉંચાઈને પ્રેમપૂર્વક સ્વીકારવામાં જ ડહાપણ છે. ઓછી ઉંચાઈ માટે નકારાત્મક વલણ નુક્શાનકર્તા હોય છે. ઊંચા હોવા કરતાં ગુણવાન હોવું એ વધારે યોગ્ય છે. ગાંધીજી, મધર ટેરેસા, શાસ્ત્રીજી, ચાર્લી ચેપ્લિન, અબ્રાહમ લિંકન, છત્રપતિ શિવાજી, સચિન તેંડુકલર, જયા બચ્ચન, રાણી મુખર્જીને કોઈ પૂછવા નથી ગયું કે આપની હાઈટ કેટલી છે?

Posted in ઊંચાઈ | Leave a comment

માસ્ટર ગ્રંથિ: પિચ્યુટરી

Published on : October 20, 2010

શિવજીના ત્રીજા નેત્ર ખૂલવાની જેમ આપણી પિચ્યુટરી ગ્રંથિના કાર્યમાં જો ખલેલ પડે તો આપણા શરીરમાં ચોક્કસ ઉથલપાથલ થાય. ગુજરાતીમાં ઘણા લોકો તેને પીયુષ ગ્રંથિ પણ કહે છે. મેડિકલ સાયન્સમાં તેને પિચ્યુટરી ગ્રંથિ કહે છે. શરીરમાં આવેલી તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન પિચ્યુટરી ગ્રંથિ કરે છે. પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતાં હોર્મોન્સથી શરીરની જુદી જુદી ગ્રંથિઓ જેવી કે થાઈરોઈડ, એડ્રિનલ, ઓવરી અથવા ટેસ્ટિસનું નિયમન થતું હોય છે. તેથી આ ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ કહે છે. ઘણા તેને ‘ચીફ ઓફ ધ ઓરકેસ્ટ્રા’ તરીકે પણ ઓળખે છે.

પિચ્યુટરી ગ્રંથિનું સ્થાનઃ

પિચ્યુટરી ગ્રંથિ મગજની નીચે બે આંખની વચ્ચેના સ્થાનની બરાબર પાછળ સ્થિત છે. આ ગ્રંથિનું વજન ફક્ત ૬૦૦ થી ૭૦૦ મિ.ગ્રા. જેટલું હોય છે. ઘઉંના દાણા જેવો આકાર ધરાવતી આ ગ્રંથિ ઘઉંના દાણા કરતાં પણ ખૂબ જ નાની હોય છે. આ ગ્રંથિની આજુબાજુ અનેક નાજુક અને અગત્યના અવયવો આવેલા હોય છે. તેની આજુબાજુ મગજને લોહી પહોંચાડનાર જ્ઞાનતંતુઓ-ઓપ્ટિક નર્વ પસાર થતાં હોય છે. ઉપરાંત મગજને લોહી પહોંચાડનારી અગત્યની નસો જેવી કે કેરોટિડ ધમની અને કેવરનસ સાયનસ આવેલાં હોય છે. આ કેવરનસ સાયનસમાં બીજા અગત્યનાં જ્ઞાનતંતુ પસાર થતા હોય છે. આવા અનેક સંવેદનશીલ અવયવો આ ગ્રંથિની આજુબાજુ સ્થિત હોવાના કારણે આ ગ્રંથિમાં જરા પણ તકલીફ થાય તો તેની અસર આ અવયવોના કાર્ય ઉપર થતી હોય છે.

પિચ્યુટરીનું કાર્યઃ

પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા હોર્મોન્સ શરીરની જુદી જુદી ગ્રંથિઓના કાર્ય ઉપર કાબૂ ધરાવતા હોય છે. પિચ્યુટરી ગ્રંથિના હોર્મોન્સની વધઘટના લીધે આ બધી ગ્રંથિઓના હોર્મોન્સમાં પણ વધારો-ઘટાડો થતો હોય છે. શરીરના અનેક અગત્યના કાર્યો જેવાં કે તાપમાનનું નિયંત્રણ, વજનનું નિયંત્રણ, પ્રજનન શક્તિ, શારીરિક વિકાસ અને વૃદ્ધિ પિચ્યુટરી ગ્રંથિ દ્વારા જ થાય છે.

પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતાં હોર્મોન્સઃ

પિચ્યુટરી ગ્રંથિ અનેક હોર્મોન્સ જેવાં કે ગ્રોથ હોર્મોન, TSH, LH, FSH, ACTH, Prolactin બનાવતાં હોય છે. બધા જ હોર્મોન્સની શરીર ઉપર વિશિષ્ટ અસર થતી હોય છે. આમાંથી એક ખૂબ જ અગત્યનો હોર્મોન છે, ગ્રોથ હોર્મોન. તે બાળકની ઉંચાઈ વધારવામાં અગત્યનો ફાળો ભજવે છે. સાથે સાથે શરીરનાં અનેક અવયવો જેવાં કે સ્નાયુઓ, મગજ, આંતરડાં, હ્ર્દય, યકૃત વગેરેનો વિકાસ કરે છે. આ હોર્મોનની ઉણપ હોવાના કારણે બાળક ઠીંગણું રહી જાય છે. TSH હોર્મોન્સની ઉણપને કારણે થાઈરોઈડ ગ્રંથિ કામ કરતી નથી. તેના કારણે થાઈરોઈડનું કાર્ય બંધ થઈ જાય છે અને હાઈપોથાઈરોઈડિઝમનીતકલીફ થાય છે. LH અને FSH નામના હોર્મોન અંડપિંડ અને શુક્રપિંડનું નિયમન કરે છે. તેની ઉણપથી માસિક અનિયમિતતા તથા વંધ્યત્વ જેવી અસર થતી હોય છે. પિચ્યુટરીમાં ઉત્પન્ન થતાં ACTH નામના હોર્મોન્સની ઉણપના લીધે એડ્રિનલ ગ્રંથિ કામ કરતી નથી. તેથી શરીરમાં પૂરતા પ્રમાણમાં સ્ટેરોઈડ ઉત્પન્ન થતાં નથી જેથી લો બ્લડપ્રેશર થઈને વ્યક્તિ બેભાન થઈ શકે. પ્રોલેક્ટિન હોર્મોનની ઉણપથી સ્તનના વિકાસમાં અને ડિલિવરી થયા પછી ધાવણમાં તકલીફ થઈ શકે.

પિચ્યુટરી ગ્રંથિની બિમારીઓઃ

પિચ્યુટરી ગ્રંથિમાં અનેક જાતની તકલીફો સંભવ છે. પિચ્યુટરી ગ્રંથિનું કામ ઘટી જઈ શકે અથવા વધી શકે. તેમાં ગાંઠ થઈ શકે, સોજો આવી શકે, તેમાં હેમરેજ થઈ શકે. હોર્મોન્સમાં વધ-ઘટના પ્રમાણમાં શરીરમાં તકલીફો ઉભી થઈ શકે. પિચ્યુટરી ગ્રંથિમાં ગાંઠ થઈ હોય તો તેના કારણે તેની પાસે આવેલા નાજુક અને સંવેદનશીલ અવયવો ઉપર દબાણ થવાથી દૅષ્ટિમાં તકલીફ થઈ શકે, માથું દુઃખે, અમુક હોર્મોન્સ વધી જાય અને અમુક ઘટી જાય.

બાળકોમાં પિચ્યુટરી ગ્રંથિની તકલીફોઃ

બાળકોમાં અનેકવાર પિચ્યુટરી ગ્રંથિનો યોગ્ય વિકાસ થયેલો હોતો નથી. તેનાથી પિચ્યુટરી ગ્રંથિના હોર્મોન્સ એમાંયે ખાસ કરીને ગ્રોથ હોર્મોનની ઉણપ ઉભી થાય છે અને બાળકની ઉંચાઈ વધતી નથી. TSHના હોર્મોનની ઉણપથી બાળકનો શારીરિક-બૌદ્ધિક વિકાસ થતો નથી. LH અને FSH જેવા હોર્મોનની ઉણપથી બાળક પુખ્તાવસ્થામાં પ્રવેશી શક્તું નથી. જો શરીરમાં ગ્રોથ હોર્મોન વધારે ઉત્પન્ન થાય તો વ્યક્તિ ખૂબ લાંબી થઈ શકે, હાથ-પગ, મોં, નામ, અને જડબાં જાડા થઈ શકે. આ સ્થિતિને એક્રોમેનાલી કહે છે.

પિચ્યુટરી ગ્રંથિની તકલીફોઃ

માસિકમાં અનિયમિતતા ઉત્પન્ન થવી, સ્તનમાંથી બાળકને ફીડિંગ ના કરાવતા હોય છતાં દૂધનો સ્ત્રાવ થતો હોય છે, પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. ડિલિવરી પછી અનેકવાર સ્તનપાન અને માસિક આવતું બંધ થઈ જાય છે. પુરુષોમાં પિચ્યુટરી ગ્રંથિની ગાંઠ થવાથી માથાનો દુઃખાવો, જોવામાં તકલીફો, નપુંસકતા વગેરે જોવા મળે છે.

પિચ્યુટરી ગ્રંથિની તકલીફોનું નિદાનઃ

ઉપરોક્ત લક્ષણો ધરાવતી વ્યક્તિના લેબોરેટરી પરીક્ષણ, મગજના એમઆરઆઈ દ્વારા આ ગ્રંથિની તકલીફોનું વેળાસર સચોટ નિદાન થઈ શકે છે. પિચ્યુટરી ગ્રંથિની ઉણપ ધરાવતી વ્યક્તિને યોગ્ય માત્રામાં હોર્મોન આપી તેની વિપરિત અસરો થતી અટકાવી શકાય છે. પિચ્યુટરી ગ્રંથિની ગાંઠ માટે અમુકવાર ન્યુરોસર્જિકલ ઓપરેશનની જરૂર પડે છે. વિશેષ પ્રમાણમાં ઉત્પન્ન થતા હોર્મોન અમુક દવાઓ દ્વારા રોકી શકાય છે. એક ગ્રામથી પણ ઓછું વજન ધરાવતી આ ગ્રંથિના કાર્યો ખરેખર અદભૂત છે. એટલે જ તો તેને ‘માસ્ટરગ્લેન્ડ’ અથવા ‘બિગ બોસ’ કહે છે.

Posted in ગ્રંથિઓ | Leave a comment

હોર્મોન્સ અંગેની માન્યતાઓ

Published on : October 13, 2010

હોર્મોન્સ અંગે પાર વિનાની સાચી અને ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. હોર્મોન્સનું નામ સાંભળતા જ અનેકવાર વીજળીનો કરંટ લાગતો હોય તેવી અભિવ્યક્તિ થતી હોય છે. શરીરમાં કંઈ પણ ખરાબ અથવા અણગમતું થાય તો તે હોર્મોન્સને લીધે છે એવી વ્યાપક માન્યતા હોય છે. જો કોઈ બીમારી માટેની દવા હોર્મોન્સ સ્વરૂપે હોય તો એ જણાવવામાં ડૉક્ટરને અનેકવાર તકલીફ પડતી હોય છે. હોર્મોન્સ જાણે અસ્વીકાર્ય, અસ્પૃશ્ય, અનાવશ્યક અને કદાચ નુકશાનકર્તા તત્વ છે, એવી સમાજમાં પ્રબળ માન્યતા હોય છે. ‘હોર્મોન્સને કારણે શરીર ફુલી જાય છે’, ‘પુરુષ સ્ત્રી બની જાય છે’, ‘સ્ત્રી પુરુષ બની જાય છે’, ‘જાડા-પાતળા થઈ જવાય છે’, ટૂંકા-લાંબા થઈ જવાય છે’ એવી અનેક સાચી-ખોટી માન્યતાઓ લોકોના દિમાગમાં છવાઈ ગઈ હોય છે. આ બધી માન્યતાઓ માટે આપણું અધકચરું જ્ઞાન જવાબદાર છે.

હોર્મોન્સ શું છે?

‘હોર્મોન્સ’ શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતાં અતિસુક્ષ્મ તત્વો છે. જે શરીરની અનેક ક્રિયાઓ-પ્રક્રિયાઓની દોરવણી કરે છે. શરીરના અનેક અવયવોનાં કાર્ય તથા વિકાસમાં અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જીવનથી મૃત્યુ સુધી જીવંત પ્રાણીના દરેક તબક્કામાં હોર્મોન્સ આવશ્યક છે. હોર્મોન્સ વગર જીવ ઉત્પત્તિ શક્ય નથી. જીવનો વિકાસ શક્ય નથી, જીવન શક્ય નથી. હોર્મોન્સની અછત અથવા અતિરેક કદાચ સમસ્યાઓ સર્જી શકે, પરંતુ યોગ્ય માત્રામાં શરીરમાં હોર્મોન્સનું હોવું તે નોર્મલ જીવન જીવવા માટે અનિવાર્ય છે.

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓઃ

શરીરનાં જુદાં-જુદાં ભાગોમાં હોર્મોન્સ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ આવેલી છે. આ ગ્રંથિઓને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા એન્ડોક્રાઈન ગ્લેન્ડ્સ કહેવામાં આવે છે. આ ગ્રંથિઓ ખૂબ જ નાની હોય છે અને અતિસૂક્ષ્મ પ્રમાણમાં અમુક તત્વો બનાવે છે. આ તત્વો લોહીની નસોમાં ભળી શરીરનાં જુદાં-જુદાં અવયવો સુધી પહોંચે છે અને આ અવયવોના વિકાસ અને કાર્યમાં મદદરૂપ થતાં હોય છે. આ તત્વો અથવા રસાયણોને હોર્મોન્સ કહેવામાં આવે છે.

શરીરમાં અગત્યની સાત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે જે વિવિધ પ્રકારના હોર્મોન્સ બનાવે છે અને આ દરેક હોર્મોન વિશિષ્ટ પ્રકારની અસર અને ઉપયોગિતા ધરાવે છે. શરીરનાં જુદાં-જુદાં અવયવો ઉપર ‘રિસેપ્ટર’ આવેલાં હોય છે. હોર્મોન્સ આ રિસેપ્ટર સાથે જોડાઈને તેમને ઉત્તેજિત કરે છે તથા આ અવયવોને કાર્યન્વિત કરે છે.

પિચ્યુટરી ગ્રંથિઃ

પિચ્યુટરી ગ્રંથિ ત્રીજા નેત્રના સ્થાને મગજની વચ્ચોવચ સ્થિત છે. આ ગ્રંથિ મકાઈના દાણાની સાઈઝ ધરાવતી હોય છે. આ ગ્રંથિને ‘માસ્ટર ગ્લેન્ડ’ પણ કહેવામાં આવે છે. આ ગ્રંથિ અનેક હોર્મોન્સ બનાવે છે. જેનું કાર્ય શરીરની અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને કંટ્રોલ કરવાનું હોય છે. એટલે જ તેને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે. આ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો સૌથી અગત્યનો હોર્મોન છેઃ ગ્રોથ હોર્મોન. આ હોર્મોન શરીરનાં હાડકાંમાં આવેલી ‘ગ્રોથ પ્લેટ’ કે જ્યાંથી વ્યક્તિની ઊંચાઈ વધે છે, ત્યાં અસર કરતો હોય છે. આ હોર્મોનની અછતને કારણે વ્યક્તિની ઊંચાઈ વધતી નથી અથવા વધારે માત્રમાં હોય તો ઊંચાઈ વિશેષ વધી જતી હોય છે. ગ્રોથ હોર્મોન સિવાય પિચ્યુટરી ગ્રંથિ બીજાં અનેક હોર્મોન્સ જેવાં કે TSH, LH, FSH, ACTH. અને Prolactin બનાવે છે. આ હોર્મોન્સનું કાર્ય થાયરોઇડ, અંડપિંડ, શુક્રપિંડ, એડ્રિનલ ગ્રંથિ વગેરેને કાર્યન્વિત કરવાનું હોય છે. પિચ્યુટરી ગ્રંથિના આ હોર્મોન્સની ઉણપને કારણે થાયરોઇડ, એડ્રિનલ, અંડપિંડ અથવા શુક્રપિંડ કાર્ય કરતાં નથી અને આ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતાં હોર્મોન્સની ઉણપ શરીરમાં વરતાય થાય છે.

થાયરોઇડઃ

થાયરોઇડ ગ્રંથિ ગળામાં શ્વાસનળીની આજુબાજુ પતંગિયાના આકારમાં સ્થિત હોય છે. આ ગ્રંથિ થાયરોક્સિન નામના હોર્મોન્સ બનાવે છે જે શરીરનાં અનેક અવયવો ઉપર અસર કરતાં હોય છે. થાયરોક્સિનની ઉણપને કારણે હાઇપોથાયરોઇડિઝમ થાય છે અને તેની અતિરિક્તતાને કારણે હાયપરથાયરોઇડિઝમ થાય છે.

પેરાથાયરોઇડઃ

થાયરોઇડ ગ્રંથિની પાછળ ચાર અથવા વિશેષ, ઘઉંના દાણાની સાઇઝની ગ્રંથિઓ આવેલી છે. જેને પેરાથાયરોઇડ ગ્રંથિ કહેવાય છે. આ ગ્રંથિ પેરાથોર્મોન અને કેલ્સિટોનિન નામના હોર્મોન્સ બનાવે છે. આ હોર્મોન્સ શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવામાં, હાડકાંના વિકાસમાં અગત્યનો ફાળો આપે છે.

એડ્રિનલ ગ્રંથિઃ

શરીરમાં બે એડ્રિનલ ગ્રંથિઓ હોય છે. જે કિડનીની ઉપર ત્રિકોણ આકારમાં આવેલી હોય છે. આ એડ્રિનલ ગ્રંથિ અનેક જાતના હોર્મોન્સ જેવાં કે એડ્રિનાલિન, કોર્ટિકોસ્ટેરોઈડ અને આલ્ડોસ્ટેરોન નામનાં હોર્મોન્સ બનાવે છે. આ તમામ હોર્મોન્સ વ્યક્તિનું બ્લડપ્રેશર નોર્મલ રાખવામાં, લોહીમાં સોડિયમ, પોટેશિયમનું પ્રમાણ જાળવી રાખવામાં, કોઈપણ ઈમર્જન્સી માટે શરીરને જરૂરી ‘ઉર્જાશક્તિ’ ઉત્પન્ન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

શુક્રપિંડઃ

શુક્રપિંડ પુરૂષના પ્રજનનતંત્રનું મહત્વપૂર્ણ અંગ છે. શુક્રપિંડ શુક્રાણુઓ સિવાય ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સ બનાવે છે. ટેસ્ટોસ્ટેરોન દ્વારા સ્નાયુઓનો વિકાસ, ઉંચાઈ વધવી, મૂછ-દાઢી આવવી જેવી પ્રક્રિયાઓ થતી હોય છે. પ્રજનનકાર્યમાં ટેસ્ટોસ્ટેરોન અતિઆવશ્યક હોર્મોન છે.

અંડપિંડઃ

અંડપિંડ સ્રીઓનાં પ્રજનનતંત્રનું એક મહત્વપૂર્ણ અંગ છે. અંડપિંડ અંડકોષ સિવાય ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન જેવાં હોર્મોન્સ બનાવે છે, જે સ્ત્રીઓનાં અંગોના વિકાસમાં અને પ્રજનનકાર્યમાં મહત્વનો ભાગ ભજવે છે.

પેન્ક્રિઆસઃ

પેન્ક્રિઆસમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઈન્સ્યુલિન અને ગ્લુકાગોન નામનાં હોર્મોન્સ બનાવે છે જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન તથા ચરબીનાં મેટાબોલિઝમમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ઇન્સ્યુલિનની અછતને કારણે ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે.

સમસ્ત શરીરમાં સ્થિત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું વજન ૧૦૦ ગ્રામ જેટલું જ છે અને તેઓ જે હોર્મોન્સ બનાવે છે તે મિલિ અથવા નેનો ગ્રામમાં હોય છે. પરંતુ તેનાં કાર્યો વિભિન્ન, વ્યાપક અને અત્યંત મહત્વપૂર્ણ હોય છે. શરીરની જુદી-જુદી ક્રિયા પ્રક્રિયાઓમાં હોર્મોન્સ અગત્યનો ફાળો આપે છે. હોર્મોન્સ વગરનું જીવન અસંભવ છે. હોર્મોન્સનો દુરુપયોગ શરીરને ચોક્કસ નુકશાન કરી શકે છે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ અનેક બીમારીઓને મટાડવામાં અને અમુકવાર નવું જીવન આપવામાં આવશ્યક થઈ શકે.

Posted in અંત:સ્ત્રાવો | Leave a comment

સ્પોર્ટ્સમાં હોર્મોન્સનો દુરુપયોગ

Published on : October 06, 2010

વર્ષ ૧૯૮૮ ના સિઓલ ઓલમ્પિકમાં કેનેડાના સ્પ્રિન્ટર બેન જોન્સને ૧૦૦ મીટરની રેસમાં નવો વિશ્વ રેકોર્ડ કાયમ કર્યો. બેન જોન્સન રાતોરાત સુપરહીરો બની ગયો. હજુ તો વિશ્વમાં તેના માટે થયેલો તાળીઓનો ગડગડાટ શાંત પડ્યો ન હતો, તેના પહેલાં તો લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો કે બેન જોન્સન શક્તિવર્ધક દવાઓ – એનાબોલિક સ્ટેરોઈડનું સેવન કરે છે. ગેમના નિયમો અનુસાર બેન જોન્સનથી સુવર્ણચંદ્રક પાછો લઈ લેવાયો અને તેને તરત જ કેનેડા પાછા ફરવું પડ્યું.

અનેક હોર્મોન્સ શરીરનાં સ્નાયુઓનો વિકાસ કરે છે અને તેમની કાર્યદક્ષતા વધારે છે. આ હોર્મોન્સનો દુરુપયોગ ઘણા બધા રમતવીરો હરિફાઈ જીતવા માટે કરતા હોય છે.  હરિફાઈમાં ભાગ લેવા સિવાય અનેક વ્યક્તિઓ શરીર સૌષ્ઠવ વધારવા અને તેમની કાર્યક્ષમતા વધારવા માટે રોજિંદા જીવનમાં પણ તેનો ઉપયોગ કરતાં હોય છે. હોર્મોન્સના દુરુપયોગમાં એનાબોલિક સ્ટેરોઈડ સૌથી મોખરે છે.

એનાબોલિક સ્ટેરોઈડઃ

પુરુષના ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ પ્રજનનતંત્રના વિકાસ અને કાર્યમાં મદદ તો કરે જ છે, એ સિવાય સ્નાયુઓનો વિકાસ અને કાર્યદક્ષતા પણ વધારે છે. કુદરતી રીતે ઉત્પન્ન થતા સ્ટેરોઈડમાં અમુક કેમિકલ રૂપાંતરણ કરીને તેનો ઉપયોગ સ્નાયુઓના વિકાસ માટે કરાય છે. આ બાયોકેમિકલ પ્રોજેક્ટ્સને ‘એનાબોલિક સ્ટેરોઈડ’ કહે છે. હાલમાં સો જેટલા એનાબોલિક સ્ટેરોઈડનું ગેરકાયદેસર ઉત્પાદન થાય છે. તેમની વૈજ્ઞાનિક ઢબે તપાસ થયેલી હોતી નથી. એનાબોલિક સ્ટેરોઈડ સૌથી વિશેષ એથ્લિટ દ્વારા ઉપયોગમાં લેવાય છે. તેમનાં નામ ‘ટેસ્ટોસ્ટેરોન’, નાનડ્રોલોન, સ્ટેનોઝોલોલ અને મેટાન્ડીએનોન વગેરે છે.

અસરોઃ

આ દવાઓના ઉપયોગ અને એક્સરસાઈઝ, ટ્રેનિંગ દ્વારા સ્નાયુઓ વિકસિત થાય છે. તેમનું ડિજનરેશન ધીરે ધીરે થાય છે. ઉપરાંત શરીરમાં ચરબી ઘટાડે છે અને પ્રોટીન વધારે છે. તેના સતત ઉપયોગ અને એક્સરસાઈઝ ટ્રેનિંગ દ્વારા એથ્લિટ વધુ સારું પરફોર્મન્સ કરી શકે છે.

ઉપયોગઃ

એનાબોલિક સ્ટેરોઈડનો મેડિકલ ઉપયોગ ટેસ્ટોસ્ટેરોનની કમી ધરાવતા પુરુષોમાં, અમુક જાતની લોહીની ઉણપમાં, એઈડ્સ જેવી બીમારી કે જેમાં ‘મસલ વેસ્ટિંગ’ થતું હોય છે તેમાં થતો હોય છે. સ્પોર્ટ્સમાં તેનો ઉપયોગ છેલ્લાં પચાસ વર્ષથી પ્રચલિત છે. તેનો ઉપયોગ વેઈટ લિફ્ટર્સ, ડિસ્ક થ્રોઅર્સ, ફુટબોલર્સ, સ્વિમર્સ, રનર્સ વગેરે કરતાં હોય છે. ૧૯૯૧ માં અમેરિકામાં થયેલાં એક સર્વે પ્રમાણે લગભગ દસ લાખ અમેરિકનો એનાબોલિક સ્ટેરોઈડનો ઉપયોગ કરતાં હતાં. હાલમાં તેની સંખ્યા વધીને ત્રીસ લાખ જેટલી થઇ ગઇ છે.

આડઅસરોઃ

એથ્લિટ દ્વારા ઉપયોગ કરવામાં આવતાં એનાબોલિક સ્ટેરોઈડની માત્રા નોર્મલ મેડિકલ ઉપયોગ કરતાં દસથી ચાલીસ ગણી હોય છે. તેના કારણે શરીર ઉપર અનેક આડઅસરો થતી હોય છે. બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, હિમોગ્લોબિન વધવાને કારણે હૃદયની દિવાલો જાડી થાય છે અને હૃદયની પમ્પિંગ ક્ષમતા ઘટી જાય છે. પુરુષોમાં ખીલ થવાં, સ્તનનો ભાગ વધવો, વાળ ખરી જવા અને ચામડી ઉપર ડાઘ પડવાં, શુક્રાણુઓનું ઉત્પાદન બંધ થવું, પ્રોસ્ટેટ વધવી અને નપુંસકતા જેવી આડઅસરો થતી હોય છે. સ્ત્રીઓમાં માસિક ધર્મની અનિયમિતતા, ખીલ થવાં, ચહેરા ઉપર વાળ ઉગવાં, અવાજ ઘોઘરો થવો વગેરે આડઅસરો થતી હોય છે. આ દવાઓની લિવર ઉપર ખાસ આડઅસર થતી હોય છે. તેનાથી લિવર ઉપર સોજો આવવો, કમળો થવો અને લિવરના કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી હોય છે. એનાબોલિક સ્ટેરોઇડની સૌથી વિશેષ માનસિક આડઅસરો થતી હોય છે. તેના સતત દુરુપયોગને કારણે ચંચળતા, આક્રમકતા, ચિંતા, ડિપ્રેશન એડિક્શન જેવી બીમારીઓ થતી હોય છે. તેના કારણે ક્રાઈમનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે.

ગ્રોથહોર્મોનઃ

ગ્રોથ હોર્મોન સામાન્ય રીતે બાળકની ઊંચાઈ વધારવા માટે વપરાતો હોર્મોન હોય છે. ૧૯૮૦થી આ હોર્મોનનો દુરુપયોગ એથ્લિટ્સ કરતાં હોય છે. આ હોર્મોન ફક્ત ઇન્જેક્શન દ્વારા જ લેવાય છે. તે સ્નાયુઓનો વિકાસ કરે છે, પરંતુ તેની કાર્યદક્ષતા વધારવા માટે એક્સરસાઈઝની વિશેષ જરૂર પડતી હોય છે. અમુક લોહીની તપાસ દ્વારા ગ્રોથ હોર્મોનનો દુરુપયોગ પકડી શકાય છે.

ઈરિથ્રોપ્રોઇટીન:

ઈરિથ્રોપ્રોઈટીન કિડનીમાં ઉત્પન્ન થતો હોર્મોન છે. જે રક્તકણોનું ઉત્પાદન વધારી હિમોગ્લોબિન વધારે છે. ઘણા એથ્લિટ, ખાસ કરીને સાયકલિસ્ટ, આ હોર્મોન્સનો ઉપયોગ કરતાં હોય છે. હિમિગ્લોબિન વધવાને કારણે તેમની ઓક્સિજન પ્રાપ્ત કરવાની કાર્યદક્ષતા વધે છે, તેથી તેઓ સારું પ્રદર્શન કરી શકે છે. આ ડ્રગની પણ હાર્ટએટેક, હાર્ટ ફેઇલ, ખેંચ આવવી, પલ્મોનરી એમબોલિઝમ અને અચાનક મૃત્યુ જેવી ગંભીર આડઅસરો થતી હોય છે. ૧૯૯૭ થી ૨૦૦૦ માં ૧૮ જેટલા સાયકલિસ્ટનાં અચાનક મૃત્યુ માટે આ દવાનું સેવન જવાબદાર માનવામાં આવે છે.

ડોપિંગ કંટ્રોલઃ

એથ્લિટ્સ દ્વારા સ્ટેરોઇડ અને હોર્મોન્સનો દુરુપયોગ રોકવા માટે લેબોરેટરીમાં કરવામાં આવતા ટેસ્ટને ડોપિંગ ટેસ્ટ કહે છે. યોગ્ય યુરિનની તપાસ દ્વારા લોહીમાં અતિરિક્ત સ્ટેરોઈડની માત્રા જાણી શકાય છે. જરૂર લાગે તો બીજા વિશેષ ટેસ્ટ દ્વારા તેને પાકું કરવામાં આવે છે. અનેક પદ્ધતિઓ દ્વારા એથ્લિટ્સ સ્ટેરોઈડ લેતાં હોવા છતાં ન પકડાય તે માટે પ્રયત્ન કરતાં હોય છે.

દવાઓનો સદુપયોગ વ્યક્તિને નવજીવન આપી શકે. પરંતુ દુરુપયોગ ક્વચિત ટૂંકા ગાળાનો લાભ આપી શકે, પરંતુ સમયાંતરે અનેક ગંભીર અને ઘાતક પરિણામો આપી શકે. અનેક યુવાનો શરીર સૌષ્ઠવ વધારવા સ્ટેરોઈડ લેવા માંગતા હોય છે. પરંતુ તેના ગંભીર પરિણામો ધ્યાનમાં રાખી તેનાથી દૂર રહેવુ સારું. ચાલો જોઈએ, કોમનવેલ્થ ગેમ્સમાં શું જોવા મળે છે!

Posted in અંત:સ્ત્રાવો | Leave a comment

સ્વસ્થ રહેવાની ફોર્મ્યુલા

Published on : September 22, 2010

જીવનશૈલી પરિવર્તન દ્વારા ‘સ્વસ્થ રહો’ એ અંગે ગયા અંકમા આપણે આહાર પરિવર્તન, વ્યવહાર પરિવર્તન અને કસરતની ચર્ચા કરી. આ અંકમાં સ્વસ્થ રહેવા માટે બીજા અગત્યના મુદ્દાઓ જેવા કે તણાવમુક્તિ અને સમય ફાળવણી વિશે વાત કરીશું અને તેમને કઈ રીતે અમલ કરી શકાય એ સમજીશું.

તણાવમુક્તિઃ

માનસિક તણાવ અનેક આધુનિક બીમારીઓનો જન્મદાતા છે. તણાવમુક્ત જીવન સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે. અનેક પ્રયોગો તણાવમુક્ત જીવન માટે મદદરૂપ થઈ શકેઃ

  • સંગીત સાંભળવું અથવા જાતે સંગીત વગાડવું.
  • ધાર્મિક, આધ્યાત્મિક અથવા ક્રિએટીવ અને પ્રેરણારૂપ સારું વાંચન કરવું.
  • વિનોદવૃત્તિ અને હાસ્ય માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.
  • ‘સેવાકાર્ય’. પછી તે કોઈ સંસ્થાના માધ્યમ દ્વારા અથવા વ્યક્તિગત રૂપે કરી શકાય. તણાવમુક્તિ અને આત્મસંતોષ માટે આ પ્રવૃત્તિ ખૂબ જ ઉપયોગી થઈ શકે.
  • આધુનિક જીવનમાં સમયપાલનનો અભાવ માનસિક તણાવનો સૌથી મોટો પુરસ્કર્તા છે. પ્રોજેક્ટ્સ, ડેડલાઈન્સ, ટાર્ગેટ્સ, હરીફાઈ વગેરે માનસિક તાણ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. યોગ્ય પ્લાનિંગ અને શિસ્ત દ્વારા ‘સમયપાલન’નો સ્ટ્રેસ ઓછો કરી શકાય છે.
  • દરેક વ્યક્તિએ કોઈ ન કોઈ ‘હોબી’ અથવા શોખ કેળવવો જોઈએ. આ ‘હોબી’ લેખન, વાંચન, સંગીત, ‘પેટ એનિમલ’ રાખવું, કોઈ ‘કલેક્શન’ કરવું કંઇ પણ હોઈ શકે. આ ‘હોબી’ વ્યક્તિને સક્રિય અને આનંદમય રાખવામાં ખૂબ ઉપયોગી થઈ શકે.
  • સારા મિત્ર હોવા કે જેમની સાથે પોતાના સારા નરસા અનુભવો શેર કરી શકાય. તે તણાવમુક્તિ માટે ખૂબ ઉપયોગી થઈ શકે.
  • ધાર્મિક અથવા આધ્યાત્મિક વાંચન, કથન અથવા પઠન તણાવમુક્તિ માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે.

સમય ફાળવણીઃ

આપને થશે કે આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે આટલો સમય કોની પાસે છે? યોગ્ય પ્લાનિંગ સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી શક્ય છે. ઊંઘના સાત કલાક, જોબ કે બિઝનેસના ૧૦-૧૧ કલાક તથા દિનચર્યાના બે કલાક ગણવામાં આવે તો પણ વ્યક્તિ પાસે દરરોજના ચાર કલાક બચે છે. તેમાંથી બે કલાક વ્યક્તિ સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિઓ પાછળ ફાળવી શકે અને વધારે સ્વસ્થ તથા સક્રિય રહીને બાકીના સમયનો પણ સારો ઉપયોગ કરી શકે. અઠવાડિયામાં રોજના બે કલાક પ્રમાણે ૮૪૦ મિનિટ અથવા ૧૪ કલાક આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે, જાળવણી માટે ઉપયોગમાં લઈ શકાય. દરેક પ્રવૃત્તિ દરરોજ કરવી જરૂરી નથી. તેને સાપ્તાહિક કેલેન્ડરમાં વહેંચી શકાય. આ ૧૪ કલાકમાં પાંચ કલાક (રોજના એક કલાક પ્રમાણે અઠવાડિયાના પાંચ દિવસ) શારીરિક કસરત માટે ફાળવી શકાય, એક કલાક સેવાકાર્ય માટે આપી શકાય, બે કલાક કોઈ ‘હોબી’ પાછળ આપી શકાય, ત્રણ કલાક વાંચન અથવા ટી.વી. ઉપર કોઈ સારો કાર્યક્રમ જોવા માટે આપી શકાય, બે કલાક કોઈ સામાજિક સંસ્થા અથવા મિત્રને મળવા માટે આપી શકાય. આ સમય ફાળવણી પોતાના રસ અને દૈનિક કાર્યને ધ્યાનમાં રાખી ગોઠવી શકાય. એકવાર આદત બન્યા પછી આ જીવનશૈલી સ્થાપિત થઈ જાય છે અને તેને કરવું આસાન થઈ જાય છે.

સ્વસ્થ જીવનશૈલી વિક્સાવવાના આ સરળ અને સચોટ ઉપાયો છે. તકલીફો થયા પછી તેને નિવારવા માટે જ નહીં, પરંતુ તકલીફ થતી અટકાવવા માટે આ પ્રયોગ તેટલા જ ઉપયોગી અને કારગત છે. આવશ્યકતા છે ફક્ત એકવાર તેમને અજમાવવાની. ‘પ્લાનિંગ, પ્રોગ્રામિંગ અને પર્સિસ્ટન્સ’ દ્વારા આ સ્વસ્થ જીવનશૈલી કેળવી અને જાળવી શકાય છે. ચાઇનીઝ કહેવત છે: ‘ઉત્તમ ડૉક્ટર બીમારીઓને થતી અટકાવે છે, મધ્યમ ડૉક્ટર બીમારીઓ થયા પછી તેમનો ઈલાજ કરે છે અને તેમને દવા દ્વારા મટાડે છે.’

દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે પણ આ ત્રણ તબક્કા છે. ઉત્તમ એટલે કે બીમારી થતી અટકાવવી, મધ્યમ એટલે કે બીમારી થવી, પરંતુ દવા વગર મટાડવી અને કનિષ્ઠ એટલે બીમારી થવી અને તેમને દવા દ્વારા મટાડવી.

ચાલો, ‘Be healthy. Be happy’ આ ફોર્મ્યુલા અપનાવીએ. આપના અનુભવો અને પ્રતિસાદ ‘કળશ’ને અથવા મને મોકલવા વિનંતી.

Posted in જીવનશૈલી | Leave a comment